સ્ટેચ્યુ ઓફ યુનિટી રાષ્ટ્રીય એકતાનું પ્રેરણાદાયી પ્રતીક છે. જે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 'એક ભારત શ્રેષ્ઠ ભારત' ના સંકલ્પને સાકાર કરે છે
જગત પ્રકાશ નડ્ડા, કેન્દ્રીય આરોગ્ય અને પરીવાર કલ્યાણમંત્રી
કેન્દ્રીય આરોગ્ય અને પરીવાર કલ્યાણમંત્રી જગત પ્રકાશ નડ્ડાએ ગુજરાતની મુલાકાતના ભાગરૂપે નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે વિશ્વની સૌથી ઊંચી ૧૮૨ મીટરની સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઑફ યુનિટીની મુલાકાત લીધી હતી અને સરદાર વલ્લભભાઇ પટેલને શ્રધ્ધાંજલી અર્પી વિશ્વની સૌથી વિરાટ પ્રતિમાની ભવ્યતાના દર્શન કર્યા હતા.
મંત્રી નડ્ડાએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નથી નિર્માણ પામેલી એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાથી સાકાર થયેલું સ્ટેચ્યુ ઓફ યુનિટી અને આસપાસના પર્યટન પ્રકલ્પોના વ્યવસ્થાપન, પ્રવાસીઓ અને સ્થાનિકો માટેની સુવિધા અંગેની જાતમાહિતી મેળવી હતી.
મંત્રી નડ્ડાએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની પોથીમાં નોંધ્યુ કે, ભારતની એકતાના પ્રતિક એવા લોખંડી પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલને મારા નમન છે. આ સ્થળ રાષ્ટ્રીય એકતા માટે પ્રેરણાદાયી પ્રતીક છે. જે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 'એક ભારત શ્રેષ્ઠ ભારત' ના સંકલ્પને સાકાર કરે છે.
વધુમાં નોંધ્યું હતું કે, આ જગ્યાના દર્શન કરતા અહીંની પરિકલ્પના, સ્થાપના અને પ્રાકૃતિક સૌંદર્ય નિહાળ્યું છે. મને વિશ્વાસ છે કે, આ એકતાનું પ્રતિક વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 'એક ભારત શ્રેષ્ઠ ભારત' ની પરિકલ્પના 'વિકસીત ભારત ૨૦૪૭' ની યાત્રાને સફળ બનાવશે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ તરફથી મુખ્ય કારોબારી અધિકારીશ્રી અમિત અરોરાએ મંત્રી અને પ્રતિનિધિમંડળને સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ યાદગીરી રૂપે ભેટ આપી હતી. શ્રી નડ્ડાની મુલાકાત સમયે રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા, સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારીશ્રી અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અંકિત પન્નુ, નાયબ વન સંરક્ષક અગ્નિશ્વર વ્યાસ, અધિક કલેકટર ગોપાલ બામણીયા સહભાગી થયા હતાં.
સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત પહેલા કેન્દ્રીય આરોગ્ય અને પરીવાર કલ્યાણમંત્રી જગત પ્રકાશ નડ્ડાનું એકતા નગર હેલિપેડ ખાતે આવી પહોંચતા ઢોલ નગારા સાથે ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ વેળાએ રાજસ્થાન રાજ્યના માન. મુખ્યમંત્રી ભજનલાલ શર્મા, છોટાઉદેપુર સાંસદ જશુભાઈ રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભીમસિંહભાઇ તડવી, નાંદોદ ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ,નાયબ કલેકટર પ્રોટોકોલ શ્રી એન.એફ.વસાવા, નાંદોદ પ્રાંત અધિકારી ડૉ. કિશનદાન ગઢવી, મદદનીશ પોલીસ અધિક્ષક લોકેશ યાદવ, જીલ્લાના અગ્રણી નીલ રાવ સહિત સંગઠનના કાર્યકરોએ કેન્દ્રીય આરોગ્ય મંત્રી નું પુષ્પગુચ્છ અર્પણ કરી ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.