આણંદની સિવિલ હોસ્પિટલની
વારંવાર બદલાતી જગ્યામાં વધુ એક નવી જગ્યા પર આખરી પસંદગી ઉતારવામાં આવી
છે. આ વખતે શહેરના વિદ્યા ડેરી રોડ પર આવેલી ગુજરાત પશુ ચિકિત્સા અને
પશુપાલન મહાવિદ્યાલય યુનિવર્સિટીની જગ્યા પર સિવિલ હોસ્પિટલ બનાવવામાં
તંત્ર આગળ વધી રહ્યું છે. હાલ આ જગ્યા કલેક્ટર હસ્તક લેવાય તે અંગેની તજવીજ
ચાલી રહી છે.
•વારંવાર જગ્યા બદલાવવાના કારણે પ્રોજેક્ટ અધ્ધર તાલ
આણંદ
જિલ્લો બન્યાને અઢી દાયકા ઉપરાંત સમય થયો છતાં સિવિલ હોસ્પિટલની સુવિધા
મળી નથી. જે સંદર્ભે છેલ્લા દસ વર્ષથી રાજકારણ રમાઇ રહ્યું હોય તેવું
પ્રજામાં પણ ચર્ચાઇ રહ્યું છે. સિવિલ હોસ્પિટલની વારંવાર જગ્યા બદલાવવાના
કારણે આ પ્રોજેક્ટ અધ્ધર તાલ થઇ ગયો હોય તેવો સૂર ઉઠ્યો છે. આણંદ શહેરના
વ્યાયામ શાળાના મેદાન પર સિવિલ બનાવવા માટે જગ્યા પસંદ કરવામાં આવી હતી.
પરંતુ કોઇ કારણસર આ જગ્યા ફરી બદલવા માટે તજવીજ શરૂ કરવામાં આવી હતી. જેમાં
બાકરોલ, નાવલી સહિતની જગ્યા જોયા બાદ આખરે શહેરના વિદ્યા ડેરી રોડ પર
આવેલા હેલીપેડ ગ્રાઉન્ડની સામે ગુજરાત પશુ ચિકિત્સા અને પશુપાલન
મહાવિદ્યાલય યુનિવર્સિટીની જગ્યા પર સિવિલ હોસ્પિટલ બનાવવાનું નક્કી
કરવામાં આવ્યું છે. આ જગ્યા કલેક્ટર હસ્તક લેવા માટે કાર્યવાહી શરૂ કરવામાં
આવી છે. આગામી દિવસોમાં તેનું ભૂમિપૂજન કરવામાં આવશે. આમ, સિવિલ માટે વધુ
એક સ્થળે ભૂમિપૂજન કરવામાં આવશે.
•સરકારને રજૂઆત કરાઈ હતી
આણંદમાં
સિવિલ હોસ્પિટલ જલ્દીથી બને તે માટે સાંસદ મિતેશ પટેલ, નાયબ દંડક રમણ
સોલંકી, ધારાસભ્ય યોગેશ પટેલ સહિત જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલ પટેલ વગેરેની
ટીમ દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી હતી.210 બેડની સિવિલ હોસ્પિટલમાં 40 આયુર્વેદના બેડ હશે.આણંદની
વેટરનરી કોલેજની આશરે સાત એકર જગ્યા સિવિલ માટે ફાળવવામાં આવશે. જેમાં 170
આઈસીયુ સહિતના બેડ હશે. આ ઉપરાંત 40 આયુર્વેદની સારવાર માટેના બેડ હશે.
આશરે 200 કરોડના આ વિકાસ કામને લઇ હાલ તંત્રની ગતિવિધિ તેજ બની છે. બધુ
સુમંતર પાર પડ્યું તો આ સ્થળે ભૂમિપૂજન કરવા માટે ટુંક સમયમાં પ્રભારી
મંત્રી સહિત ઉચ્ચકક્ષાના અધિકારીઓ આવશે.આ
અંગે સાંસદ મિતેશ પટેલે જણાવ્યું હતું કે, આણંદ જિલ્લા સિવિલ હોસ્પિટલ
માટેનો ઘણા વરસોથી એક પેન્ડીંગ પ્રશ્ન હતો. આ પેન્ડીંગ પ્રશ્ન મુખ્યમંત્રી
ભુપેન્દ્ર પટેલ અને જિલ્લાના પ્રભારી અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સાથે
ચૂંટણી પત્યા બાદ પાંચેય ધારાસભ્ય અને સંગઠન દ્વારા ત્રણથી ચાર વખત મળીને
રજુઆત કરી હતી. જેના પગલે સિવિલ હોસ્પિટલની જગ્યા ફાળવવામાં આવી છે.