લોકમાતા ગણાતી નદીઓ જાણે બે નંબરીયાઓની મિલકત બની ગઈ હોય તેમ રોજની હજારો ટન રેતી ગેરકાયદેસર અને કોઈ રોક- ટોક વગર વેચવામાં આવી રહી છે.
કપડવંજ તાલુકાની મહોર અને ધામણી નદીઓમાંથી વર્ષોથી મોટા પાયે રેતી ખનનનો ધંધો મોટા પાયે ચાલી રહ્યો છે અને ઉત્તરોત્તર વધી રહ્યો છે. આ અંગે આ વિસ્તારમાં રહેતા ખેડૂતોના જણાવ્યા અનુસાર વધુ પ્રમાણમાં રેતી ખનનથી ચોમાસા દરમ્યાન નદીઓના પ્રવાહ બદલાય છે અને કિનારાઓની જમીનોનું મોટા પાયે ધોવાણ થાય છે. કીનારે ન્હાવા જતા ગ્રામજનો માટે ખોદાયેલ ખાડાથી જીવનું જોખમ પણ સર્જાય છે.તેમજ રેતી ઓછી થવાથી પાણી શોષણ શકિત અને ભેજ સંગ્રહ શક્તિ ઘટવાને કારણે ખેતીના બોર નપાણીયા બન્યા છે. આ ખનનીયાઓને તાત્કાલીક રોકવામાં આવે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એ ઉપરોક્ત નદીઓ આસપાસના ખેડૂતોની માંગ છે. ખાણ ખનીજ વિભાગ રેતી ખનન કરનાર સામે તાત્કાલીક પગલાં લે તે પ્રકૃતિ અને ખેડૂત બન્નેના હિતમાં ખૂબ જરુરી છે.સ્થાનિક તંત્ર અને ખાણ ખનીજ વિભાગ અને કપડવંજ મામલતદારની નિષ્ક્રિયતાના કારણે બેખોફ ખનન માફિયાઓ બેફામ બનીને નદીઓમાં ખનન કરી રહ્યા છે. જેના પર રોક લગાવવાની ખેડૂતો સહિત નદીની ફરતેના રહીશોની માંગ છે. આવા ખનન કરતા તત્વોને તંત્ર છાવરી રહ્યું છે તેવું દેખાઈ રહ્યું છે.